Wednesday, April 3, 2024

ભારતના યુવાધનની વિદેશવાટ

 

ભારતના યુવાધનની વિદેશવાટ

 

ભારત એ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ ખરો. સૌથી યુવાન દેશ હોવાનો અર્થ અહીં યુવા વયની વસ્તી સૌથી વધુ અત્યારે ભારતમાં છે અને જે દેશ પાસે યુવાધન સૌથી વધુ એ દેશ સૌથી વધુ શક્તિશાળી. આમ પણ વિશ્વ ફલક પર ભારતનું નામ અંકિત થયું છે અને એ વાતનો આપણે ભારતીય તરીકે ગર્વ લેવો જોઈએ અને લઈએ પણ છીએ.

 

અને હા, વિશ્વના સૌથી શક્તિશાળી અને નોંધપાત્ર ક્ષેત્રોના ઉચ્ચ સ્થાને પણ કોઈ ભારતીય જ બિરાજમાન છે, જેમ કે સુંદર પીચાઈ,  ઋષિ સુનક કે તુલસી ગ્રેબર્ડ.  મોદી હોય કે મુકેશ અંબાણી - એ ગૌરવવંતા ગુજરાતી ભારતીયો પહેલા છે.  કપિલદેવ હોય કે અમિતાભ બચ્ચન - દુનિયા એમને નામથી ઓળખે છે એમના કામ અને ભારતીય હોવાના કારણે.

 

તો પ્રશ્ન એ થાય કે ભારતમાં બધું જ છે તો ભારતીય યુવાદ્યનની વિદેશ જવાની ઘેલછા કેમ વધતી જાય છે. એક અંદાજે દર વર્ષે 5 થી  6 લાખ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા માટે જાય છે અને મોટાભાગે ભણ્યા પછી ત્યાં જ સ્થાયી થતા હોય છે - સ્વદેશ પાછા આવી સ્થાયી થતા નથી (અમુક અપવાદ ને બાદ કરતા).  તો આપણને એ પ્રશ્ન ચોક્કસથી થાય કે જો આમ જ ભારતનું યુવાધન બહાર જતું રહેશે તો એક દિવસ આપણે પણ એ ચિંતા કરવી પડશે જે અત્યારે અન્ય દેશો કરી રહ્યા છે જેની પાસે યુવાધન ઓછું છે.

 

આ યુવાધનને વિદેશ જવા માટે જે પરિબળો જવાબદાર છે એ પરિબળો પર શું આપણે કોઈ પગલાં ના લઇ શકીએ ? દેશ તરીકે એ વિચારવાની શું આપણી નૈતિક ફરજ નથી ?  આજે જો આ બાબતે નહીં વિચારીયે તો એક-બે દાયકા પછી કદાચ બહુ મોડું થઇ ગયું હશે. કેમકે અત્યારે વિદેશ જવાનો જે ક્રેઝ દેખાઈ રહ્યો છે, એ જોતા તો એવું લાગે છે કે દરેક દેશમાં જઈને ભારતીય કોલોની ઉભી થઇ જશે, પણ એ ભારતમાં નહીં હોય.

 

ચાલો આપણે એવા પરિબળોની યાદી બનાવીયે, જે આપણા યુવાધનને વિદેશ જવા પ્રેરે છે.

 

- ઉચ્ચતમ શિક્ષણ

- સારી કમાણી

- સામાજિક સુરક્ષા (રિટાયરમેન્ટ પછી)

- સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર

- લોકશાહી (એવી કે જેમાં સદંતર લાંચ-રુશવતથી જ કામ થાય એવું ના હોય)

- ટેક્ષ ભર્યા પછીની ખાતરી કે સરકાર સારી સુવિધાઓ આપશે જ (અને મળે પણ છે)

- સરકારી કામ માટે ખરેખર ધક્કા ખાવા પડતા નથી.

 

 

અને એવું ઘણુંબધું જે અહીં યાદીમાં ઉમેરી શકાય. તો  આ યાદીના દરેક મુદ્દાને ભારતીય સિસ્ટમના પરિપેક્ષમાં મૂકીને વિચારીયે અને પછી જો આપણી પાસે એના સોલ્યુશન્સ હોય તો શું આપણે એ દિશામાં પગલાં લઇ શકીયે ?

#StudyAbroad

#BeingIndian 


Thursday, March 21, 2024

 #વિશ્વ કવિતા દિવસ


વાત આજે નીકળી જ છે, તો વિવાદ સુધી જવા દો
શબ્દો થકી જો લાગણીઓ વહે, તો આજે વહેવા દો

આમ તો મૌનની પણ પોતાની એક ભાષા હોય છે,
એ જ કોઈ સમજી જાય, એની મનને અભિલાષા હોય છે.

શબ્દથી થતી રજુઆત, ક્યારેક અધૂરી રહી જાય છે.
પણ મૌનની પરિભાષા તો અંતરમાં ઉતરી જાય છે.

આજકાલ, વ્હોટ્સએપ-ફેસબુકથી પણ ઘણું કહી શકાય છે,
પણ માત્ર આંખોથી કહેલી વાત, હંમેશા યાદ રહી જાય છે.

Monday, January 8, 2024

Traffic sense

 તમે અને હું, આપણે સૌ રોજે રોજ એક યુદ્ધ લડીએ છીએ, ખબર છે એ શેનું ????  રસ્તા પરના ટ્રાફિકનું.....

સાચું કે નઈ?  ઘરેથી ઓફિસ કે ક્યાંક બહાર જવા નીકળીએ એટલે, રસ્તા પર ટ્રાફિક કઈ દિશામાંથી આવશે એ નક્કી હોવા છતાં પણ ટ્રાફિક કોઈપણ દિશામાંથી આવવા લાગે છે. આવું કદાચ આપણે બધાએ ક્યારેક તો અનુભવ્યું જ હશે.


હા, હું આપણા અમદાવાદના રસ્તા પરના ટ્રાફિકની જ વાત કરી રહી છું.  આપણે, અમદાવાદીઓ શું ધીરજ ખોઈ બેઠા છીએ કે ક્યાંક પહોંચવાની ઉતાવળમાં રોજેરોજ ટ્રાફીકનો એકાદ નિયમ તો તોડતા જ હોઈશું.  ઉદાહરણ રૂપે, 


ટ્રાફિક લાઇનને અનુસરવાને બદલે કોઈપણ લેનમાં ગમે ત્યારે ઘુસી જવાનું.

રોડ પર એકે એક ઇંચ ખાલી જગ્યામાં ઉભા રહી જવાનું.

કારની લેનમાં પણ ટુ વહીલર વચ્ચે ઘુસાડીને ઉભા રહી જવાનું 

પહેલા પહોંચવાની હોડમાં મારી આગળ કોઈ કેમ નીકળી જાય ? સતત આવું જ જોવા મળે છે રોડ પર.

પાનના ગલ્લે ઉભા રહીને વાતો કરવામાં મોડું ના થાય, પણ ભરચક ટ્રાફિકમાં પણ સતત હોર્ન વગાડીને આગળ નીકળવા માટેનું બહાનું  "મારે મોડું થાય છે"

લેફ્ટ ટર્ન ઓપન રાખવાનો હોય, ત્યાં ગ્રીન લાઈટ ચાલુ હોય તો પણ, એ ટર્ન બ્લોક કરીને ઉભા રહી જવાનું.

સિગ્નલ કોઈપણ દિશાનું ચાલુ હોય, પરંતુ 'ટ્રાફિક પોલીસ' ની નજરથી બચીને કોઈપણ રસ્તો ક્રોસ કરી લેવાનો...

રોન્ગ સાઈડમાંથી ઓવરટેક કરવાનો અને જો અથડાઈ ગયા તો પણ "જોતા નથી"?  એવું તો કહેવાનું જ.


શું આપણે આવું કરીને "હેરિટેજ સીટી અમદાવાદ" ને શરમાવી નથી રહ્યા?  વિશ્વ  ફલક પર "અમદાવાદ" એક ફાસ્ટેસ્ટ ડેવલપિંગ શહેર છે અને તેની સામે આપણે જ આપણા શહેરને નીચા જોણું કરી રહ્યાં છીએ. કેટલા બધા દેશો અને રાજ્યોના મુલાકાતીઓ શહેરમાં આવતા હોય છે...મોટાભાગના લોકોનું રિએક્શન "અરે યાર મસ્ત છે અમદાવાદ તો, પણ શહેરના ટ્રાફિકમાં વાહન ચલાવવું એટલે એક જન્ગ જીતવા બરાબર છે." 


સરકાર કાયદા બનાવે અને લોકો પાસે એનું નિયમન કરાવડાવે, પણ લોકો જો પોતાની ફરજ સમજીને એનું બરાબર પાલન નહીં કરે તો એકલી સરકાર પણ કઈ નહીં કરી શકે. શું આ નિયમોનું પાલન કરવાની જવાબદારી આપણી નથી ?  આપણે જ જો આવું જોખમકારક વાતાવરણ રોડ રસ્તા પર બનાવીશું તો શું,  આપણા  સંતાનો પણ ક્યારેક એ જ જોખમનો ભોગ નહીં બને ?  રોજ સવારે સમાચારની શરૂઆત એકાદ માર્ગ અકસ્માતના વિષયથી જોડાયેલી હોય છે. તો ક્યારે જાગીશું આપણે?  

Thursday, April 20, 2023

ચાલને દોસ્ત ફરી એકવાર મળીયે

 ચાલને દોસ્ત ફરી એકવાર મળીયે 

સુખ દુઃખની ક્ષણ સાથે બેસીને માણીયે 


મનના તાર ફરી એકવાર ઝણઝણાવીએ 

ચાલને દોસ્ત ફરી એકવાર મળીયે


દુઃખની ક્ષણને  આજે સુખની ઘડીમાં પરોવીએ 

મનની ભીતર ફરી એકવાર ડોકિયું કરીએ

ચાલને દોસ્ત ફરી એકવાર મળીયે


'હું છું ને યાર' એ કહેવા -સાંભળવા મળીયે 

'ઓલ ઇઝ  વેલ' કહી ફરી હસવા હસાવવા મળીયે 

ચાલને દોસ્ત ફરી એકવાર મળીયે



Monday, March 13, 2023

નારી

 


નારી ઓ નારી, તું તો છે જગમાં ન્યારી

તું ચાહે તો છે જગદંબા, તું ચાહે તો રંભા

કેટકેટલા સ્વરૂપ તારા, જગ છે તને આભારી

 

તું બની ચાંદ પર જનારી, છતાં પણ તું પ્યારી

સેનામાં સ્થાન જમાવી, તું સરહદ રક્ષનારી

કેટકેટલા સ્વરૂપ તારા, જગ છે તને આભારી

 

માં બની તું બાળકની, જગજનની જગતની

લાડકડી તું માબાપની, તું તો કુલતારણી

કેટકેટલા સ્વરૂપ તારા, જગ છે તને આભારી

 

ભાઈ કાજે રક્ષા કરનારી, જરૂર પડે રણચંડી

હે નારી તું કઈ માટીની, જડતી નઈ તારી જોડી

કેટકેટલા સ્વરૂપ તારા, જગ છે તને આભારી

 

Tuesday, March 7, 2023

મહિલા દિવસ #International Woman's Day

 

મહિલા દિવસનો મહિમા

 

8મી માર્ચ આવી અને મહિલા દિવસની શુભેચ્છાઓનો વરસાદ ચાલુ થઇ ગયો....આખું વર્ષ જે યાદ ના કરતુ હોય, એ પણ આ દિવસની શુભેચ્છાઓ તો આપે જ છે...સારું છે..એક દિવસ તો સન્માનથી યાદ કરે છે બધા...

પણ અહીં પ્રશ્ન એ થાય છે કે જો એક દિવસ સન્માન આપવામાં વાંધો નથી તો પછી બાકીના 364 દિવસ કેમ નહિ ?  આપણે બધા જ જાણીએ છીએ આપણી લાઈફમાં 'નારી' નું શું સ્થાન છે.  "માં" વિના  આપણું અસ્તિત્વ શક્ય જ નથી આ પૃથ્વી પર.  આપણા જીવનમાં અને આજુબાજુ ઘણી એવી સ્ત્રીઓ છે, જે કોઈને કોઈ રીતે આપણી સાથે જોડાયેલી છે...એ બહેન હોઈ શકે, પત્ની હોઈ શકે, મિત્ર હોઈ શકે.  આ બધા જ આપણા જીવનના એવા સ્ત્રીપાત્રો છે કે જેમના વિના પણ આપણી લાઈફ અધૂરી જ છે. એવી એક કલ્પના પણ અસહ્ય લાગે કે જેમાં "નારી" ના હોય.  અરે આંખ બંધ કરીને ભગવાનને યાદ કરીએ તો પણ જે સ્વરૂપ આંખ સામે દેખાય એ પણ કોઈ દેવી જ હોય છે, જે "નારી" છે. ધરતી પાર આવ્યા બાદ સૌથી પહેલો ચહેરો દેખાય તે પણ "માં" અને જીવનમાં ક્યારેક કોઈ ક્ષણે દુઃખ થાય કે ઠોકર વાગે તો પણ "ઓ માં" એવું જ અનાયાસે બોલાઈ જાય છે.

તો શું સ્ત્રીને "મહિલા દિવસ" ની શુભેચ્છા આપવાથી એ એમ્પાવર થઇ જાય છે ? તો જવાબ છે "ના".  તો વુમન એમ્પાવરમેન્ટ કઈ રીતે શક્ય છે ?  સારું શિક્ષણ, સારી તકો અને જીવનની દરેક ક્ષણને "પુરુષ" સમોવડી તકો આપવી. હા, એક રીતે આ વુમન એમ્પાવરમેન્ટ થયું અને આ રીતે હવે સમય બદલાયો છે અને આ બધી તકો મોટાભાગે સ્ત્રીઓને મળતી જ હોય છે.  તો, "મહિલા દિવસ" કઈ રીતે ઉજવવો ? 

ઘરના મહત્વના નિર્ણયોમાં સ્ત્રીનો મત જાણો 

ઘર અને પરિવાર સિવાય પણ સ્ત્રીની પોતાની કઈ ઈચ્છાઓ અને શોખ હોય છે, એને પણ સમય આપો.

ઘરના સભ્યોની કાળજી લેવામાં સ્ત્રી પોતાની કાળજી લઇ શકતી નથી, ક્યારેક એને પણ પૂછો "તને કેમ છે". 

પરિવારને ભાવતું ભોજન બનાવી અને જમાડવામાં સ્ત્રીને સંતોષ મળે છે, પણ ક્યારેક એને પણ પૂછો "તને શું ભાવે છે".

પરિવારના દરેક સભ્યની તબિયત સાચવવામાં "નર્સ" બની જતી સ્ત્રી પણ ક્યારેક બીમાર હોઈ શકે, એને પણ આરામની જરુર  હોય છે.

"ઘરની નારી" ને Taken for Granted" ના લો. એને પણ એ વાતનો અહેસાસ કરાવો  કે એ પણ "ઘરની અત્યંત   મહત્વની પિલર" છે અને આ જ સાચા અર્થમાં "સ્ત્રી સશક્તિકરણ" છે અને સાચા અર્થમાં "મહિલા દિવસ" ની ઉજવણી છે. 

"નારી" ને સન્માન આપીને અને તેના કામની યોગ્ય કદર  કરીને સાચા અર્થમાં દરેક દિવસ મહિલા દિવસ બની શકે છે અને આ તો રોજિંદી લાઈફમાં થવું જોઈએ.  "સ્ત્રી" એટલી સરળ છે ને કે સારા બે શબ્દો અને પ્રેમથી આપેલી 2 મિનિટ પણ એના માટે "સન્માન"થી વિશેષ છે.  તો, આવો સંકલ્પ કરીએ, દરેક દિવસને "મહિલા દિવસ" બનાવીએ બસ પ્રેમ અને સન્માનની નાની ભેટથી.


Happy Woman's Day to all. 

#International Woman's Day  

Monday, February 20, 2023

વિશ્વ માતૃભાષા દિવસ

 21 ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસ" તરીકે ઉજવાય છે. પણ તમને અને મને આ પ્રશ્ન તો થાય જ છે કે કોઈએક જ દિવસે માતૃભાષા દિવસ ઉજવવો કેમ પડે ?  જે માતૃભાષા આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલી છે, જે આપણી સવારથી રાત સુધી ઘરમાં બોલાય છે, એને આપણે એક દિવસ ખાસ કેમ યાદ કરવી પડે ?

આ માટે પણ કોઈક અંશે આપણે જ જવાબદાર છીએને....અંગ્રેજી મીડીયમ અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં આપણે "અંગ્રેજી" બોલવાનું જેટલું ગૌરવ લઈએ છીએ, એટલું ગૌરવ માતૃભાષા આવડવાનું અને બોલવાનું કેમ નથી લેતા ? ઘરની બહાર નીકળીએ અને જો કોઈ અજાણ્યું માણસ બહાર મળે તો આપણે તેમની સાથે માતૃભાષામાં વાત કરીયે છીએ ? આપણે ચાલો ગુજરાતની જ વાત કરીયે. મોટાભાગે બહારના જે લોકો અહીં આવીને વસ્યા છે, એ પણ ગુજરાતી સમજતા થઇ ગયા હોય છે, તો પણ આપણે ઘરની બહાર નીકળીએ એટલે હિન્દી કે અંગ્રેજીમાં જ વાત કરીયે છીએ. અરે ભાઈ હવે સમજાયુ એક દિવસને "માતૃભાષા દિવસ" કેમ ઉજવવો પડે છે. 

આપણે ગુજરાતી થઇને જો ગુજરાતી બોલવાનું ગૌરવ ના લઇ શકીયે, તો પછી આપણે આવા દિવસો ઉજવવા પડે.  અને આ લોકો જ વિદેશ જઈને કોઈ "આપણું" મળી જાય,  "માતૃભાષા" માં વાત કરવાવાળું મળી જાય અને જે ખુશીથી મળતા હોય - એજ દર્શાવે છે આપણી માતૃભાષા આપણને કેટલા જલ્દીથી જોડી દે છે એકબીજા સાથે. 

 "માં' ,  "માતૃભૂમિ" અને "માતૃભાષા" ત્રણેય સ્ત્રીલિંગ માં જ બોલાય છે, કેમ ખબર છે ?  કારણકે આપણને આ ત્રણેય હંમેશા  મમતા આપે છે. સૌથી વ્હાલી "માં" અને "માં" જેવો પ્રેમ માતૃભૂમિ અને માતૃભાષામાં જ મળે છે. આપણને વિચારો અને સ્વપ્ન આપણી પોતાની ભાષામાં જ આવે છે.  સર્જનાત્મક વાતની કે લાગણીની રજુઆત જે અંદાજથી પોતાની માતૃભાષામાં કરી શકાય એ કદાચ બીજી ભાષામાં ના જ થઇ શકે. 

ચાલો ત્યારે આપણે તો રોજેરોજ "માતૃભાષા દિવસ" છે....આજે તો એક નિમિત્ત બનાવ્યું છે આ વાત સમજવા માટે....  મને ગુજરાતી હોવાનું ગૌરવ છે અને એટલે જ આજના દિવસે મારી માતૃભાષા "ગુજરાતી" માટે જ લખ્યું છે.

"જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત"

ભારતના યુવાધનની વિદેશવાટ

  ભારતના યુવાધનની વિદેશવાટ   ભારત એ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ ખરો. સૌથી યુવાન દેશ હોવાનો અર્થ અ...